ટૂંકી વાર્તા – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ (2023)

ટૂંકી વાર્તા : અર્વાચીન લોકભોગ્ય સાહિત્યસ્વરૂપ. અંગ્રેજી ‘શૉર્ટ સ્ટોરી’ના ગુજરાતી પર્યાય રૂપે યોજાતી સંજ્ઞા. ‘નવલિકા’ સંજ્ઞા પણ ઘડાયેલી છે.

(Video) Aarb ane Unt - વિશ્વકોશ પ્રસ્તુત ગુજરાતી હાસ્ય નાટક | VTV ગુજરાતી

આધુનિક કળાસ્વરૂપ લેખે ટૂંકી વાર્તાનો ઉદભવ, પશ્ચિમના સાહિત્યમાં 19મી સદીમાં થયો, પણ તે પછી દોઢ-બે સૈકા જેટલા સમયગાળામાં વિશ્વભરના સાહિત્યમાં ઝડપથી એ સ્વરૂપનું ખેડાણ વિસ્તર્યું છે. આધુનિક માણસના જીવનસંયોગોની વિષમતા અને જટિલતાનું તેમ તેના અંતરની ગહનગંભીર સંવેદનાઓ અને એકલ સ્વરોને સૂક્ષ્મ રૂપે અને ઉત્કટપણે વ્યક્ત કરવાને આ સ્વરૂપ અર્વાચીન સમયના લેખકોને ઘણું અનુકૂળ નીવડ્યું છે. રૂપરચનાની ર્દષ્ટિએ આ સ્વરૂપ અનુનેય અને રૂપાંતરશીલ નીવડ્યું છે. એમાં એકકેન્દ્રી વાસ્તવવાદી રીતિની વાર્તાઓ આવે. કેટલીક વાર વાર્તાલેખક કથાવૃત્તાંતમાં અંતર્હિત માનવીય સંઘર્ષ, કટોકટી, તણાવ, પરાકાષ્ઠા અને પ્રતિપરાકાષ્ઠા જેવાં નાટ્યતત્ત્વોને ઉપસાવીને એકાંકી જેવી નાટ્યાત્મક પ્રભાવકતા જન્માવે છે. કેટલીક વાર વાર્તાકાર મુખ્ય પાત્રના માનસિક જીવનનું ઝીણવટભર્યું આલેખન કરીને તેને રેખાચિત્રની નિકટ લાવી દે છે. આધુનિકતાવાદથી પ્રેરિત અનેક લેખકોએ, વળી વર્ણ્ય પરિસ્થિતિ કે ભાવદશાનું પ્રતીકાત્મક રીતિએ નિરૂપણ કર્યું છે. કલ્પનોપ્રતીકોના પ્રચુર પ્રયોગોને કારણે એવી રચનાઓ સઘન ઉત્કટ ઊર્મિકાવ્યની કોટિએ પહોંચતી દેખાય છે. કેટલીક વાર કપોલકલ્પિત પુરાણતત્વ કે ચમત્કારનાં તત્વોને આશ્રયે એને આગવો પુરાકલ્પિત પરિવેશ પ્રાપ્ત થાય છે. ક્યારેક રાજકારણીઓના વિદૂષકવેશના આવરણમાં કે પ્રાણીકથાના નવતર ઢાંચામાં વ્યંગઉપહાસની કથા રચાય છે.

ટૂંકી વાર્તા મૂળભૂત રીતે એના સ્વરૂપ અને પ્રયોજનની બાબતમાં, પ્રાચીન સમયની ધર્મનીતિથી પ્રેરિત બોધકથાઓ, આખ્યાયિકાઓ, પ્રાણીકથાઓ, રૂપકગ્રંથિઓ (allegories) કે એ પ્રકારની બીજી ર્દષ્ટાંતકથાઓથી જુદી પડે છે. પરંપરાપ્રાપ્ત કથાઓમાં એકાદ નાનકડું વૃત્તાંત કેન્દ્રમાં હોય, અને એની લાઘવભરી સીધી સુરેખ રજૂઆતને કારણે વાચકના ચિત્તમાં એકતા કે એકાત્મતાનો પ્રભાવ મૂકી જતી. ટૂંકી વાર્તાના સર્જકની રીતિ તેમજ કળાત્મક મૂલ્યોની માવજત કરવાની તેની ર્દષ્ટિ નિરાળી હોય છે. માનવીના મનનાં જાગ્રત-અજાગ્રત સ્તરનાં સંચલનો અને સંવેદનાઓને યુગપત્ ઝીલીને માનવીય વાસ્તવિકતાને તે સ્વરૂપમાં રજૂ કરે છે. ટૂંકી વાર્તાના લેખકનું મુખ્ય વલણ કેન્દ્રવર્તી પાત્રોના સંકુલ આંતરસંબંધોથી રચાતી ભાવપરિસ્થિતિનું અને તેના આશ્રયે એ પાત્રોની સંવેદનાના અગોચર સ્તરોનો તાગ લેવાનું રહ્યું છે. ટૂંકી વાર્તામાં અલબત્ત, પ્રાણવાન કથાવૃત્તાંત(story)નો આધાર લગભગ અનિવાર્ય છે પણ નર્યું વાર્તાકથન આધુનિક લેખકને અભિપ્રેત નથી. બનાવો, પ્રસંગો વગેરે ઘટકો માનવીય સત્યના દ્યોતક અને સમર્પક અંશો જ રહે છે. વાર્તાને અંતે ઘટનાનો અંત ભલે પૂરેપૂરો રજૂ ન થાય, તેનું ચમત્કૃતિભર્યું સત્ય પૂર્ણપણે પ્રગટ થાય એ આવશ્યક હોય છે. સાચી વાર્તા એના અંતિમ ભાગમાં માનવજીવનની અકળ લીલામય ગતિવિધિનું સૂચન કરતી રહસ્યસભર ક્ષણનો સ્ફોટ કરે છે.

આકાર, રચનારીતિ અને શૈલીનિર્માણ પરત્વે આ સ્વરૂપ ખેડનારા લેખકોએ અપાર વૈવિધ્ય સિદ્ધ કર્યું હોવા છતાં એ દરેક રચના ભાવકના ચિત્તમાં મૂળની એકતા કે એકાત્મતાનો પ્રભાવ મૂકી જાય છે. ઘટનાનું સંયોજન, વર્ણ્યવસ્તુની એકતા, શૈલીની એકરૂપતા કે ભાવપરિસ્થિતિને વ્યાપી લેતો જીવંત પરિવેશ એમાં સમર્પક બને છે. વાર્તાના કળાત્મક સંવિધાનનું એ ર્દષ્ટિએ ઘણું મહત્વ છે. વીસમી સદીના આધુનિકતાવાદી લેખકોએ રચનારીતિ(technique)ના વિનિયોગ પરત્વે અનેકવિધ પ્રયોગો કર્યા છે; પણ ટૂંકી વાર્તાની પ્રાણશક્તિ એની રચનારીતિ કરતાંય વધુ તો તેના લેખકની તીવ્રતમ સંવેદનાઓમાં રહી હોવાનું પ્રતીત થાય છે.

ઓગણીસમી સદીના પાંચમા-છઠ્ઠા દાયકામાં અંગ્રેજી સાહિત્ય અને તેના વિવેચનનાં પ્રેરણા અને પ્રભાવ નીચે ગુજરાતીમાં જે નવીન સાહિત્યનો આરંભ થયો તેમાં નિબંધ, નવલકથા, નાટક, જીવનચરિત્ર, આત્મકથા જેવાં ગદ્યસ્વરૂપો ઉપરાંત વિવેચન, સંશોધન, અનુવાદ વગેરે ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રવૃત્તિઓ આરંભાઈ ચૂકી હતી. પણ એ ગાળામાં ટૂંકી વાર્તાનું આધુનિક કળાસ્વરૂપ લેખે ખેડાણ થયું નહોતું. જોકે નવલકથાની સાથોસાથ નાના ફલકની વાર્તાઓ લખવાના અને જૂની પરંપરાની વાર્તાઓનાં સંકલનો/સંપાદનો કરવાના ઉપક્રમો હાથ ધરાયા હતા. ‘ઇસપનીતિકથાઓ’, ‘ઇસપનીતિની વાતો’, ‘ડોડસલીની વાતો’, ‘પંચોપાખ્યાન’ વગેરે સંકલનોમાં બોધપ્રધાન વાર્તાઓ રજૂ થઈ છે. કવિ દલપતરામની સ્વતંત્ર કલ્પનાની નીપજ સમી વાર્તાઓ ‘તાર્કિક બોધ’માં ગ્રંથસ્થ થઈ છે. એમાં પુરાણકથા, દંતકથા કે લોકકથાના અંશો લઈ નીતિસદાચારની વાત તેમણે ગૂંથી છે. રણછોડભાઈના વાર્તાસંગ્રહ ‘પ્રાસ્તાવિક કથાસમાજ’ની રચનાઓ પણ પ્રચલિત લોકકથાઓ પર આધારિત છે અને ઘણુંખરું રૂપકગ્રંથિનું માળખું સ્વીકારીને લખાઈ છે. અંગ્રેજીમાંથી ઉતારેલી ત્રણ વાર્તાઓનું સંકલન ‘ગાથાસમાજ’, લોકકથાઓનું સંપાદન ‘ગુજરાત અને કાઠિયાવાડ દેશની વાર્તાઓ’, ગુજરાતની જૂની વાર્તાઓ ઉપરાંત મનોરંજક અને રસીલી વાર્તાઓના સંગ્રહો પ્રકાશન પામતા રહ્યા છે. ‘બુદ્ધિવર્ધક’, ‘બુદ્ધિપ્રકાશ’, ‘આર્યધર્મ-પ્રકાશ’ જેવાં સામયિકો અને અન્ય પત્રો પણ નાના કદની વાર્તાઓને પ્રોત્સાહન આપતાં હતાં. 1895થી 1918નો ગાળો એ નવી વાર્તાની એક આગવા કળાસ્વરૂપ તરીકેની ઓળખ અને એક સ્વતંત્ર કળાસ્વરૂપ તરીકેની તેની સ્થાપનાનો સમય છે, હિંદી, બંગાળી અને અંગ્રેજી, ફ્રેન્ચ જેવી પરભાષાની ટૂંકી વાર્તાઓના સારાનરસા અનુવાદો આ સમયે છપાવા લાગ્યા. ‘જ્ઞાનસુધા’, ‘ચંદ્ર’, ‘સાહિત્ય’, ‘સુંદરીસુબોધ’, ‘વાર્તાવારિધિ’ અને ‘વીસમી સદી’ જેવાં સામયિકોએ થોડાક પણ કળાત્મક અંશોવાળી વાર્તાઓ માટે પસંદગી દર્શાવી, એ સમયના કેટલાક લેખકોએ એક કળાપ્રકાર તરીકે ટૂંકી વાર્તા તે નવલકથાની ટૂંકી આવૃત્તિ નહિ પણ નાના ફલકની કથાવસ્તુ પર આધારિત સ્વતંત્ર કળાત્મક સૃષ્ટિ છે એમ સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો. તેમણે એમ પણ બતાવવાનો પ્રયત્ન કર્યો કે સામાન્ય પ્રસંગકથન કે છાપાના કિસ્સા કરતાં એનું રચનાવિધાન જુદું છે. અનુવાદ, રૂપાંતર કે સ્વતંત્ર સર્જન દ્વારા આ કળાસ્વરૂપને ઘાટ આપવા મથતા લેખકોમાં રમણભાઈ નીલકંઠ, રણજિતરામ મહેતા, હાજી મહમ્મદ, ‘નારદ’ (મટુભાઈ કાંટાવાળા), બટુભાઈ ઉમરવાડિયા, ગોકુળદાસ રાયચુરા, ડાહ્યાભાઈ પટેલ, બ. ક. ઠાકોર, અંબાલાલ દેસાઈ, રામમોહનરાય દેસાઈ, કેશવપ્રસાદ દેસાઈ, ઓલિયા જોશી, ધનસુખલાલ મહેતા, ‘મલયાનિલ’ (કંચનલાલ વાસુદેવ મહેતા), કનૈયાલાલ મુનશી વગેરેની આ ક્ષેત્રની લેખનપ્રવૃત્તિ નોંધપાત્ર છે. એ પૈકી અંબાલાલ દેસાઈની ‘શાંતિદાસ’, રણજિતરામની ‘હીરા’, ધનસુખલાલની ‘બા’ અને ‘મલયાનિલ’ની ‘ગોવાલણી’ — એ કૃતિઓ ટૂંકી વાર્તાના સરસ નમૂના બની આવી.

આ ગાળામાં કળાત્મક ઘાટ લેવા મથતી ગુજરાતી ટૂંકી વાર્તામાં બે અલગ સર્જકવૃત્તિ કામ કરી રહી છે. એક બાજુ રસીલી પ્રેમકથાઓની સાથે સામાજિક અનિષ્ટો સ્ફુટપણે દર્શાવવાનું અને સંસારસુધારાનો સીધો ઉપદેશ આપવાનું વલણ જોવા મળે છે; બીજી બાજુ ઉપદેશના બોજથી વાર્તાને મુક્ત કરવા ચાહતા લેખકો હાસ્યવિનોદના પ્રસંગો કે રમૂજી કિસ્સાને હળવી રગમાં રજૂ કરવા પ્રેરાયા. ધનસુખલાલ મહેતા, ‘મલયાનિલ’ અને કનૈયાલાલ મુનશીની વાર્તાઓમાં આ વિભિન્ન વલણો સ્પષ્ટ રૂપમાં દેખા દે છે. ગુજરાતી ટૂંકી વાર્તા આ ત્રણ વાર્તાલેખકોમાં હજુ કંઈક ઘડતરપ્રક્રિયામાંથી પસાર થતી જોઈ શકાશે. એને સંગીન સુરેખ અને સર્વાંશે કૌશલ્યપૂર્ણ રચનાવિધાન એમના અનુગામી ‘ધૂમકેતુ’ અને ‘દ્વિરેફ’ની વાર્તાઓમાં પ્રાપ્ત થયું. એ રીતે 20મી સદીના બીજા દાયકાના અંતભાગે અને ત્રીજાના પૂર્વાર્ધમાં નવી કળાત્મક વાર્તાઓની એક સમૃદ્ધ અને પ્રાણવાન પરંપરા રચાવા લાગી.

(Video) ગુજરાતી સાહિત્યકાર રાવજી પટેલ ગુજરાતી સાહિત્ય

હકીકતમાં, ગાંધીયુગ(આશરે ઈ. સ. 1921થી 1948)ના તબક્કામાં નવી રાજકીય સામાજિક પરિસ્થિતિ અને તેને આકાર આપનારાં નવાં યુગબળો વચ્ચે ગુજરાતી ટૂંકી વાર્તાનું જે રીતે ખેડાણ થયું તે તેના વિકાસવિસ્તારમાં એક મહત્વનો તબક્કો બની રહે છે. રાષ્ટ્રીય સ્તરે ગાંધીજી, રવીન્દ્રનાથ આદિ મહાપુરુષોની જીવનવિચારણા વ્યાપકપણે ગુજરાતના શિક્ષિતવર્ગની ચેતનાને પ્રભાવિત કરી રહી હતી; તો આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રથમ વિશ્વયુદ્ધનો દારુણ માનવસંહાર, રશિયાની લોહિયાળ ક્રાંતિ અને સામ્યવાદની સ્થાપના જેવા બનાવો સંવેદનપટુ વર્ગને ઊંડે ઊંડે સ્પર્શી રહ્યા હતા. બીજાત્રીજા દાયકામાં નવી સમાજવ્યવસ્થા માટેનાં વિચારો અને મૂલ્યો વહેતાં થયાં હતાં. વ્યક્તિ અને સમાજ વચ્ચેના આંતરસંબંધો જુદી ભૂમિકાએથી ચર્ચાતા થયા હતા. આ બદલાતા પરિવેશમાં માકર્સવાદ અને પ્રગતિવાદ ગુજરાતના અનેક લેખકોમાં નવી સામાજિક સભાનતા જગાડી રહ્યા હતા તો ફ્રૉઇડની અસંપ્રજ્ઞાત ચિત્ત વિશેની ધારણાઓ સાથે માનવીય વર્તન અને તેના આંતરસંઘર્ષોને સમજવાની નવી ર્દષ્ટિ સ્વીકાર પામી રહી હતી. આ તબક્કામાં ધૂમકેતુ, દ્વિરેફ, ઉમાશંકર જોશી, સુન્દરમ્, ઝવેરચંદ મેઘાણી, ગુલાબદાસ બ્રોકર, પન્નાલાલ પટેલ, ઈશ્વર પેટલીકર, ચુનીલાલ મડિયા, ‘બકુલેશ’, જયંત ખત્રી અને જયન્તિ દલાલ જેવા પ્રતિભાશાળી લેખકોની એક નવી પેઢીએ વાર્તાના ક્ષેત્રમાં આગવી કળાસૂઝ અને કથનરીતિએ લેખનપ્રવૃત્તિ આરંભી; એટલું જ નહિ, છઠ્ઠા દાયકાના આરંભે આધુનિકતાવાદી કળાવિચારની પ્રેરણાથી નવતર પેઢીના સુરેશ જોષી, મધુ રાય, કિશોર જાદવ, ચન્દ્રકાન્ત બક્ષી વગેરે લેખકો તદ્દન ભિન્ન રીતિની વાર્તાઓ લખવા પ્રવૃત્ત થયા ત્યાં સુધીમાં ધૂમકેતુ–દ્વિરેફની આગલી પેઢીના ઘણાએક વાર્તાલેખકોનું મહત્ત્વપૂર્ણ લેખન પૂરું થઈ ચૂક્યું હતું. એ આગલી પેઢીના દરેક લેખકનું વ્યક્તિત્વ નિરાળું, વાર્તાવિષયોનો વ્યાપ નિરાળો, સંવિધાનકળા અને કથનવર્ણનની ભાષામાંય ઓછોવત્તો ફેર, છતાં સામાજિક-નૈતિક પ્રશ્નો સાથેની ગાઢ નિસબત અને વાર્તાવસ્તુમાં માનવચરિત્રોનાં નિર્માણમાં ઘણી સમાન ભૂમિકા જોવા મળે છે. ગાંધીયુગમાં પરંપરાગત અભિગમથી લખાયેલી આ વાર્તાઓ એના વિકાસક્રમના સંદર્ભે પહેલો મહત્વનો તબક્કો રચે છે.

ધૂમકેતુએ પોતાની સાહિત્યિક કારકિર્દીનાં વર્ષોમાં અંદાજે 1918થી 1965ના ગાળામાં બીજાં લેખનો વચ્ચે ટૂંકી વાર્તાના ક્ષેત્રમાં એકધારું ખેડાણ કર્યું. ચાર – સાડાચાર દાયકાની તેમની લેખનપ્રવૃત્તિના ફળ રૂપે તેમની પાસેથી લગભગ બે ડઝન જેટલા વાર્તાસંગ્રહો મળ્યા. પણ એક મોટા તેજસ્વી વાર્તાસર્જક તરીકે તેમની પ્રતિષ્ઠા વધુ તો તેમના પહેલા ચાર સંગ્રહો ‘તણખા’ મંડળ 1, 2, 3 અને 4ની વાર્તાકળા પર નિર્ભર રહી છે. એ મંડળોની વાર્તાઓનું સુરેખ સૌષ્ઠવભર્યું. કળાવિધાન અને શિષ્ટ, પ્રૌઢ અને સંવાદી પોતવાળી કથનવર્ણનની રીતિ માત્ર તેમની વાર્તાઓ પૂરતી જ નહિ, કળારૂપ લેવા ઝંખતી એ સમયની સમસ્ત ગુજરાતી વાર્તાની મોટી પ્રાપ્તિ બની રહે છે. વળી, તેમણે ઘણીએક વાર્તાઓમાં લોકજીવનના નીચેના સ્તરોનાં માનવીઓનાં સુખદુ:ખ, વેરઝેર, આશાનિરાશા વગેરે ગૂંથી લીધાં છે. તેમની વાર્તાઓની એક ધારા મધ્યયુગીન સોરઠી લોકસંસ્કૃતિ અને લોકમાનસની આસપાસ ચાલે છે. ‘અખંડ જ્યોત’, ‘તારણહાર’, ‘કેસરી વાઘા’ અને ‘રજપૂતાણી’ જેવી વાર્તાઓ આ પ્રકારનાં સરસ ર્દષ્ટાંતો છે. પ્રેમ, સતીત્વ, બલિદાન, વીરતા અને ત્યાગવૈરાગ્ય જેવાં મૂલ્યો એમાં ગૂંથી લેવાયાં છે. તેમનાં રંગદર્શી વલણો એમાં ઉત્કટતાથી છતાં થયાં છે. બીજી એક ધારા ઊર્મિમય કલ્પનાની અપાર્થિવ ઝાંયવાળી વાર્તાઓની છે. ‘કલ્પનાની મૂર્તિઓ’, ‘પૃથ્વી અને સ્વર્ગ’, ‘સોનેરી પંખી’, ‘સ્વપ્નસુંદરી’, ‘જીવનનું પ્રભાત’, ‘રતિનો શાપ’, ‘માછીમારનું ગીત’ અને ‘કવિતાનો પુનર્જન્મ’ જેવી રચનાઓ આ વર્ગની છે. તેમને પ્રિય ઉદાત્ત કોમળ લાગણીઓ અને ભાવનાઓ એમાં રજૂ થઈ છે. રંગીન ધુમ્મસિયા પરિવેશમાં એ વાર્તાઓ શ્વસે છે. પણ ધૂમકેતુની વિશિષ્ટ નોંધપાત્ર વાર્તાઓનો ત્રીજો પ્રવાહ વર્તમાન યંત્રસંસ્કૃતિ અને શહેરી જીવનની અનિષ્ટતાઓને રજૂ કરવા તાકે છે. ‘પોસ્ટ ઑફિસ’, ‘ગોવિંદનું ખેતર’, ‘ભૈયાદાદા’, ‘જુમો ભિસ્તી’, ‘જન્મભૂમિનો ત્યાગ’, ‘શાંત તેજ’ વગેરે વાર્તાઓ આ વર્ગની છે. તેમની વિશાળ પાત્રસૃષ્ટિમાં દેખીતું વૈવિધ્ય ઘણું છે; પણ તેમનાં અનેક પાત્રો જીવનમાં એકાકી, ધૂની અને મનસ્વી પ્રકૃતિનાં દેખાય છે. મુખ્ય પાત્રોના જીવનમાં ચડતીપડતીના વારાફેરા આવે, અણધાર્યા મોટા પલટા આવે કે અસાધારણ કટોકટી વચ્ચે ગંભીર નિર્ણાયક પળ આવે એ પ્રકારનાં કથાવૃત્તાંતો વાર્તા માટે પસંદ કર્યાં છે; પણ એવાં ર્દષ્ટાંતોમાં ક્વચિત્ સમુચિત સંવિધાનના અભાવે વાર્તા શિથિલ બને છે.

દ્વિરેફની વાર્તાલેખનની પ્રવૃત્તિ, મુખ્યત્વે ‘યુગધર્મ’ અને ‘પ્રસ્થાન’ સામયિકો માટેની જરૂરિયાતમાંથી જન્મી છે, પણ એ ઘણી ધીમી ચાલી છે. બે-અઢી દાયકાને અંતે ‘દ્વિરેફની વાતો’ ભા. 1, 2 અને 3 એમ ત્રણ સંગ્રહો જ મળ્યા છે. પણ સત્વની બાબતમાં ધૂમકેતુની સાથે જ તે સ્થાન લે છે. અલબત્ત, ધૂમકેતુ કરતાં તેમની કથાસૃષ્ટિ એકદમ નિરાળી છે. તેમની શૈલી અને સર્જકતા એકદમ ભિન્ન છે. ધૂમકેતુની વાર્તાઓમાં રંગરાગી વલણો બળવાન છે. મધ્યયુગીન માનસ અને મૂલ્યો સાથે તેમનું અનુસંધાન છે. દ્વિરેફ તત્કાલીન રાજકીય અને સામાજિક બળો વચ્ચે માનવપ્રશ્નોને રજૂ કરે છે. વાસ્તવમાં દ્વિરેફની સર્જકતાને તેમની બૌદ્ધિક ચેતનાનું પોષણ મળ્યું છે. એમાં રજૂ કરવા ધારેલી માનવસમસ્યા કે પરિસ્થિતિનું નક્કર અનુભવના સ્તરેથી તે વિભાવન કરે છે. ચરિત્રનિર્માણમાં નક્કર મનોવૈજ્ઞાનિક તથ્યોનો આધાર લે છે અને પાત્ર કે પ્રસંગના કથનવર્ણનમાં, નિરીક્ષણમાં આવેલી બારીક પણ મૂર્ત વિગતો સાથે કામ પાડે છે. દાંપત્યનાં સુખદુ:ખ; બ્રાહ્મણ પરિવારનાં ઈર્ષ્યા, અદેખાઈ અને વેરઝેર; અસહકારની લડતમાં જોડાયેલાં યુવકયુવતીઓ ઉપરાંત બીજા અનેક નવા વર્ણ્યવિષયો તેમણે ખેડ્યા છે. અતિપરિચિત લાગતા રોજિંદી જિંદગીના બનાવોમાંથીય તે મર્માળી વાર્તા શોધી લે છે. ‘મુકુંદરાય’, ‘ખેમી’, ‘જમનાનું પૂર’, ‘સાચો સંવાદ’, ‘સરકારી નોકરીની સફળતાનો ભેદ’, ‘કેશવરામ’, ‘કાગટોડા’, ‘છેલ્લો દાંડક્યભોજ’, ‘ઉત્તરમાર્ગનો લોપ’ અને ‘બુદ્ધિવિજય’ જેવી વાર્તાઓ તેમની આગવી કળાષ્ટિની સુભગ પ્રાપ્તિ છે. ‘જક્ષણી’ અને ‘સરકારી નોકરીની સફળતાનો ભેદ’ જેવી વાર્તાઓમાં નિર્વ્યાજ વિનોદવૃત્તિ અને હાસ્યકટાક્ષ મર્મસ્પર્શી બન્યાં છે. પરંપરાગત વાર્તાઓના માળખામાં રહીને વર્ણ્યવસ્તુના પ્રસ્તુતીકરણમાં ખાસ કરીને કથાનિવેદકો અને કથન-કેન્દ્રોની યોજના પરત્વે નવા નવા પ્રયોગો કરી જોવાનું બળવાન વલણ તેમણે દાખવ્યું છે.

ગાંધીયુગના પ્રમુખ કવિઓ ઉમાશંકર જોશી અને સુન્દરમ્ બંનેએ સાહિત્યનાં બીજાં સ્વરૂપોની સાથોસાથ ટૂંકી વાર્તામાં મહત્વપૂર્ણ પ્રદાન કર્યું છે. બંને લેખકો માણસની સામાજિક અને મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ લઈને વાર્તાઓ રચવા પ્રેરાયા છે, પણ બંનેની કળાષ્ટિમાં ફેર છે અને બંને માણસની વાસ્તવિકતાને જુદી રીતે ઉપસાવે છે. ઉમાશંકર જોશી પાસેથી ‘શ્રાવણી મેળો’. ‘અંતરાય’, ‘વિસામો’ અને ‘ત્રણ અર્ધું બે’ — એ સંગ્રહો મળ્યા છે. એમાંની કેટલીક વાર્તાઓ એ યુગમાં આંદોલિત થયેલા પ્રગતિવાદના પ્રભાવ નીચે રચાયેલી છે. ‘શ્રાવણી મેળો’, ‘ગુજરીની ગોદડી’, ‘ઝાકળિયું’ અને ‘મારું હતું ને મેં લીધું’ વાર્તાઓ એનાં સારાં ર્દષ્ટાંતો છે. સામાજિક–આર્થિક વિષમતા, કિસાનો, મજૂરો અને પછાત વર્ગના લોકોનું જમીનદારો–શાહુકારો દ્વારા શોષણ અને તેમને થતા અન્યાય, એ પ્રકારની પરિસ્થિતિઓ એમાં કળાત્મક રીતે આલેખાઈ છે. ‘લોહીતરસ્યો’ અને ‘છેલ્લું છાણું’ જેવી વાર્તાઓમાં અમાનુષી અંશોવાળાં ગ્રામીણ માનવીઓની કઠોર દારુણ વાસ્તવિકતાનું ચિત્રણ થયું છે. ‘મારી ચંપાનો વર’ અને ‘હીલ્લી’માં ભિન્ન ભિન્ન વયની સ્ત્રીઓના મનની ગૂઢ એષણા પ્રગટ થઈ છે, તો ‘પગલીનો પાડનાર’માં એક વૃદ્ધ પુરુષની પૌત્રઝંખના નિરૂપણ પામી છે. ગ્રામજીવનના વિષયો ઉપરાંત શહેરી મધ્યમવર્ગનાં સ્ત્રીપુરુષોનાં સુખદુ:ખને રજૂ કરતી વાર્તાઓ તેમણે લખી છે. જોકે તે એટલી અસરકારક બની નથી. સુન્દરમની સર્જકપ્રતિભા, ઠીકઠીક રંગરાગી વલણોવાળી અને ઉમાશંકરથી ભિન્ન સ્વરૂપની છે. તેમની પાસેથી પાંચ વાર્તાસંગ્રહો મળ્યા છે. ‘હીરાકણી’ અને બીજી વાતો’, ‘ખોલકી અને નાગરિકા’, ‘પિયાસી’, ‘ઉન્નયન’ અને ‘તારિણી’ એ વાર્તાઓમાં એક ધારા તે સમાજના દલિતપીડિત અને શોષિત વર્ગનાં માણસોનાં સુખદુ:ખ, આશા-નિરાશા વગેરે ભાવપરિસ્થિતિઓની આસપાસ રચાયેલી કૃતિઓની છે. ‘માજા વેલાનું મૃત્યુ’, ‘બીડીઓ’, ‘ઊછરતાં છોરું’, ‘લીલી વાડી’, ‘પૅકાર્ડનો પ્રવાસ’ અને ‘મીનપિયાસી’ જેવી રચનાઓ આ પ્રકારના વિષયો રજૂ કરે છે. પ્રગતિવાદના પ્રચારથી અળગા રહી માત્ર સહાનુકંપા અને કરુણાભાવે એ સ્તરનાં માનવીઓની ગરીબી અને કંગાલિયતનું એમાં આલેખન થયું છે. પોતાના ગાઢ અનુભવમાં આવેલા મહીકાંઠાના તળપદ લોકજીવનની કરુણ કથાઓ ‘માને ખોળે’, ‘ખોલકી’, ‘પની’, ‘અંબા ભવાની’ અને ‘મિલનની રાત’માં મળે છે. લગ્નજીવનની દુ:ખદ પરિસ્થિતિઓની એમાં વેધક રજૂઆત છે. પણ સુન્દરમની અનેક વાર્તાઓમાં માનવીની દુર્દમ્ય જાતીય વાસના, દાંપત્યપ્રેમની વિફલતા કે લગ્નજીવનની કોઈક અકળ ગૂંચનું પ્રભાવક કથાવસ્તુ ગૂંથી લેવામાં આવ્યું છે. સ્થૂળ કામથી સૂક્ષ્મતર પ્રણયની અનેક માનસિક ભૂમિકાઓને તે એમાં લક્ષે છે. ‘આશા’, ‘સૌંદર્ય શું…’, ‘જીવનની તરસ’, ‘નાગરિકા’, ‘ભદ્રા’, ‘લાલ મોગરા’ અને ‘ઉલ્કા’ જેવી વાર્તાઓમાં એની ઉઠાવદાર રજૂઆત થઈ છે. ર્દશ્યો–પ્રસંગો અને પાત્રનિર્માણમાં ઝીણી ઝીણી પણ મૂર્ત અને રંગરાગી ઝાંયવાળી વિગતોથી ખચિત વર્ણનરીતિને કારણે તેમની ઘણીએક રચનાઓ વિસ્તારી બની છે.

ઝવેરચંદ મેઘાણીએ લોકસાહિત્યના ક્ષેત્રમાં સંશોધન–સંપાદનનું કામ કરતાં કરતાં શિષ્ટ સાહિત્યસ્વરૂપો પણ ખેડ્યાં છે. ટૂંકી વાર્તાના ક્ષેત્રમાં મૌલિક અને રૂપાંતરિત બંને પ્રકારની વાર્તાઓ લખી છે. ‘મેઘાણીની નવલિકાઓ’ ભા. 1–2માં તેમની મૌલિક રચનાઓ મળે છે. મુખ્યત્વે સૌરાષ્ટ્રના તળપદા લોકજીવનનાં સુખદુ:ખો, યાતનાઓ અને સંઘર્ષોની એ કથાઓ છે. જુનવાણી માનસ, જીર્ણ રીતરિવાજો અને શોષણનો સર્વત્ર અવકાશ આપતી જૂની સમાજવ્યવસ્થાનું એમાં સ્વચ્છ પ્રતિબિંબ ઝિલાયું છે. ‘વહુ અને ઘોડો’, ‘બૂરાઈનાં દ્વાર પરથી’, ‘ચોટલો ઝાલીને’, ‘ઠાકર લેખાં લેશે’, ‘પાનકોર ડોશી’, ‘અમારાં ગામનાં કૂતરાં’, ‘કેશુના બાપનું કારજ’ જેવી વાર્તાઓ એનાં સરસ ઉદાહરણો છે. ગરીબો–દલિતો અને શોષિતો પ્રત્યેની તેમની સહાનુકંપા અને માનવતાવાદી ¹દૃષ્ટિને કારણે તેમજ તેમાંની તળપદી ભાષાને કારણે એ વાર્તાઓ આજે પણ ચિત્તસ્પર્શી રહી છે. આ ગાળામાં ગુલાબદાસ બ્રોકરે ‘લતા અને બીજી વાતો’, ‘વસુંધરા અને બીજી વાતો’, ‘ઊભી વાટે’, ‘સૂર્યા’, ‘પ્રકાશનું સ્મિત’ વગેરે વાર્તાસંગ્રહો આપ્યા. કુટુંબજીવનના કોમળ સૂક્ષ્મભાવો તેમજ યુવાનયુવતીઓના પ્રણયસંઘર્ષમાં તે સહજ ગતિ કરે છે. ‘ધૂમ્રસેર’, ‘નીલીનું ભૂત’, ‘લતા શું બોલે ?’, ‘બા’ વગેરે તેમની જાણીતી વાર્તાઓ છે.

(Video) રાવજી પટેલ મારી આંખે કંકુના સૂરજ આથમ્યા

ત્રીસીના ઉત્તરાર્ધમાં પન્નાલાલ પટેલ, ઈશ્વર પેટલીકર અને ચુનીલાલ મડિયા – એ ત્રણ વાર્તાકારો પોતાના પ્રદેશના તળપદા લોકજીવનની વાર્તાઓ લઈને ગુજરાતી સાહિત્યના વાર્તાજગતમાં આવ્યા. જોકે સમય જતાં ત્રણેય લેખકો શિક્ષિત મધ્યમવર્ગનાં માનવીઓની વાર્તા લખવા પ્રેરાયા છે, પણ દરેકની સર્જકશક્તિ વધુ સત્વસમૃદ્ધિથી ખીલી ઊઠી હોય તો તે તેમના અનુભવમાં આવેલા ગ્રામજીવનની વાર્તાઓમાં. આ ત્રણમાં પન્નાલાલનું વાર્તાલેખન વ્યાપમાં વિશાળ છે. લગભગ બે ડઝન જેટલા વાર્તાસંગ્રહો તેમની પાસેથી મળ્યા છે. એમાં અસંખ્ય વાર્તાઓનાં પ્રેરણાબીજ ગુજરાતના ઈશાની સરહદના ગ્રામજીવનમાંથી મળ્યાં છે. એ વિસ્તારની દારુણ ગરીબી, શાહુકારો દ્વારા શોષણ, વહેમ, અજ્ઞાન કે અંધશ્રદ્ધાથી સર્જાતી કઠોર વિષમ પરિસ્થિતિ, પ્રેમ અને લગ્નજીવનની ગૂંચ – એમ અનેકવિધ બાજુએથી લોકજીવનનાં દુ:ખો, યાતનાઓ અને સંઘર્ષોનાં મૂળ સુધી તે ઊતર્યાં છે. ‘વાત્રકને કાંઠે’, ‘કંકુ’, ‘ઓરતા’, ‘મા’, ‘ભાથીની વહુ’, ‘સાચી ગાજિયાણીનું કાપડું’, ‘ધરતી-આભનાં છેટાં’, ‘નૅશનલ સેવિંગ’, ‘બાપુનો કૂતરો’ વગેરેમાં તેમની ઉત્કૃષ્ટ વાર્તાકળાનાં દર્શન થાય છે. પ્રાદેશિક બોલીનો એમાં સામર્થ્યપૂર્વક વિનિયોગ થયો છે. ગ્રામજીવનનો જીવંત પરિવેશ એમાં સચ્ચાઈનો રણકો જન્માવે છે. ઈશ્વર પેટલીકરની અનેક વાર્તાઓ ચરોતરના લોકજીવનની સમસ્યાઓ રજૂ કરે છે. તેમનામાં રહેલો સમાજચિંતક સમાજજીવનની રુગ્ણતા અને તેના વિકાસરોધક અંશોને ઓળખે છે. એટલે લોકજીવનનાં દુ:ખો અને યાતનાઓના આલેખનમાં સામાજિક સંપ્રજ્ઞતાનું વિશેષ પરિમાણ ઊઘડતું દેખાય છે. ‘લોહીની સગાઈ’, ‘હવાડીનું પાણી’, ‘કાશીનું કરવત’, ‘દુ:ખનાં પોટલાં’ અને ‘જનમનો ખેડુ’ જેવી વાર્તાઓમાં તેમની વાર્તાકાર તરીકેની શક્તિ અને સૂઝ પૂરાં ખીલી ઊઠ્યાં છે. ચુનીલાલ મડિયાએ ડઝનેક વાર્તાસંગ્રહો આપ્યા છે. એમાં સોરઠી લોકજીવનને રજૂ કરતી વાર્તાઓ અને શહેરી માનવની વાર્તાઓ એમ ભિન્ન વિષયો અને ભિન્ન શૈલીની વાર્તાઓ મળે છે. જોકે તેમની વાર્તાકળા વધુ તો સોરઠી લોકજીવનની રચનાઓમાં ખીલી ઊઠી છે. ‘વાની મારી કોયલ’, ‘ચંપો અને કેળ’, ‘અંત:સ્રોતા’, ‘મેંદીનો રંગ’, ‘આઈ જાનબાઈનું થાનકડું’, ‘મોલુમાં દીવા શગે બળે’, ‘અંબા ગોરાણીનો પરભુડો’, ‘ઊજડેલો બાગ’, ‘મજિયારી પછીતના પથ્થરો’ અને ‘કમાઉ દીકરો’ જેવી વાર્તાઓમાં તેમની લાક્ષણિક વાર્તાકળાના ઉત્કૃષ્ટ નમૂના પ્રાપ્ત થાય છે. સોરઠની સૈકાઓજૂની લોકસંસ્કૃતિનું ગાઢ અનુસંધાન, ત્યાંની ધરતી અને પ્રકૃતિનો જીવંત પરિવેશ અને મર્માળી બલિષ્ઠ લોકબોલીનો વ્યાપક વિનિયોગ એનાં વિશેષ પ્રભાવક તત્વો છે. ગ્રામીણ માણસોના આદિમ આવેગો, ગહનગૂઢ એષણાઓ, વેરઝેરની વૃત્તિઓ અને લાગણીના સંઘર્ષોનું તે કુશળતાથી આલેખન કરે છે.

‘બકુલેશ’, જયંત ખત્રી અને જયન્તિ દલાલ એ ત્રણ લેખકોની વાર્તાઓ તેમની આગવી સામાજિક સંપ્રજ્ઞતા છતી કરે છે. ગુજરાતીમાં એ સમયે પ્રવર્તેલા પ્રગતિવાદનો વત્તોઓછો પ્રભાવ એમાં જોઈ શકાશે. આ પૈકી બકુલેશે શહેરના શ્રમજીવીઓ, શોષિતો અને પતિતોનાં દુ:ખો વર્ણવતી ઘણી વાર્તાઓ લખી; પણ સામાજિક વિષમતાના આલેખનમાં શ્રમિકો–શોષિતો માટેનો તેમનો પક્ષપાત છતો થઈ જાય છે. તેમને થતા અન્યાય અને જુલમના પ્રસંગો ઘેરી ઊર્મિલતા ધારણ કરે છે. જયંત ખત્રીએ સંખ્યાર્દષ્ટિએ તો ઓછી, અઢી–ત્રણ દાયકાઓના લેખનને અંતે માંડ ચાળીસેક, વાર્તાઓ લખી છે. એ પૈકી આરંભના તબક્કામાં ઘણુંખરું તો પોતાના વતન કચ્છની ધરતીના ભિન્ન ભિન્ન વ્યવસાયનાં સામાન્ય માનવીઓની ક્થા રજૂ કરી છે. પાછળના તબક્કામાં શહેરી માનવીઓની એકલતા, શૂન્યતા અને નિર્ભ્રાન્તિની મનોદશાઓ વિશે રચનાઓ કરી છે અને તેમાં રચનાવિધાનના કેટલાક અવનવા પ્રયોગો કર્યા છે. તેમનામાં રહેલો જાગ્રત અને આત્મનિષ્ઠ કળાકાર પ્રગતિવાદને સમર્થ રીતે ઓળંગી ગયો છે. કચ્છના લોકજીવનની ભોંય પર માનવઅસ્તિત્વની કરુણ વિષમતાઓને તે ગાઢપણે સ્પર્શી રહે છે. અતિસમૃદ્ધ અને પ્રાણવાન ર્દશ્યશ્રુતિકલ્પનો અને વિવિધ રંગરેખાઓનાં સૂક્ષ્માતિસૂક્ષ્મ ચિત્રાંકનો એ તેમની વાર્તાકળાનાં વિશિષ્ટ અંગો છે. કચ્છના લોકજીવનને લક્ષતી વાર્તાઓમાં ‘લોહીનું ટીપું’, ‘કાળો માલમ’, ‘હું, ગંગી અને અમે બધાં’, ‘તેજ ગતિ અને ધ્વનિ’, ‘ધાડ’, ‘ખરા બપોર’ અને ‘માટીનો ઘડો’ જેવી રચનાઓ તેમની વાર્તાકળાનાં ઉત્કૃષ્ટ ર્દષ્ટાંતો છે. શહેરી જીવનને વિષય કરતી વાર્તાઓમાં ‘અમે બુદ્ધિમાનો’, ‘ખીચડી’, ‘અમે’, ‘આનંદનું મોત’, ‘બંધ બારણાં પાછળ’ વગેરે કૃતિઓ વિશેષ ઉલ્લેખનીય છે. જયન્તિ દલાલે ઠીકઠીક સંખ્યામાં સામાજિક સંપ્રજ્ઞતાવાળી વાર્તાઓ લખી છે. વાર્તાવસ્તુ, સંવિધાનરીતિ અને શૈલીમાં તે સભાનપણે પ્રયોગો કરતા રહ્યા છે. તેમણે ઘણુંખરું શહેરનાં મધ્યમવર્ગીય અને તેનીય નીચેના અદના માણસોનાં સુખદુ:ખ વાર્તાવિષય તરીકે સ્વીકાર્યાં છે. રોજિંદી પરિચિત લાગતી ઘટનાઓમાંય માનવમનના કંઈક અગોચર ખૂણાનું દર્શન તે કરી શકે છે. ‘આ ઘેર, પેલે ઘેર’, ‘આભલાનો ટુકડો’, ‘જગમોહને શું જોવું ?’, ‘લીલાં લીલાં દસ આપ્યાં’, ‘ઝાડ, ડાળ અને માળો’, ‘હીરા ધૂળાની હિસ્ટૉરિક ટિકિટ’, ‘ગાંધી તોપ’, ‘સમડી’ વગેરે તેમની વિશેષ નોંધપાત્ર રચનાઓ છે. સમકાલીન જીવનનાં દંભ અને છલનાના પ્રસંગોનું વ્યંગ-ઉપહાસભરી રીતિએ તેમણે કેટલીએક વાર્તાઓમાં વેધક નિરૂપણ કર્યું છે.

ત્રીજા દાયકાથી છઠ્ઠા દાયકાના પૂર્વાર્ધ સુધીના ગાળામાં ટૂંકી વાર્તાના ક્ષેત્રે વત્તીઓછી તેજસ્વિતાવાળા બીજા અનેક લેખકોએ અર્પણ કર્યું છે. એમાં ભવાનીશંકર વ્યાસ, સ્નેહરશ્મિ, કિસનસિંહ ચાવડા, રસિકલાલ પરીખ, ગુણવંતરાય આચાર્ય, પુષ્કર ચંદરવાકર, સારંગ બારોટ, દુર્ગેશ શુક્લ, રમણલાલ દેસાઈ, જિતુભાઈ મહેતા, મસ્તફકીર, સ્વપ્નસ્થ, ઉમેદભાઈ મણિયાર, ભોગીલાલ ગાંધી, અશોક હર્ષ, નિરુ દેસાઈ, ઇન્દુલાલ ગાંધી, મોહનલાલ મહેતા (સોપાન), વેણીભાઈ પુરોહિત, કેતન મુનશી વગેરે અનેક લેખકોની લેખનપ્રવૃત્તિ ઉલ્લેખનીય છે.

છઠ્ઠા દાયકાના પૂર્વાર્ધમાં વ્યાપકપણે આધુનિકતાવાદી વિચારધારા અને વિશેષ રૂપે રૂપવાદી કળાવિચારણાનો ગુજરાતી સાહિત્યમાં તેમ ટૂંકી વાર્તામાં બળવાન પ્રભાવ પડ્યો, તે સાથે ગુજરાતી ટૂંકી વાર્તામાં પણ મૂળગામી પરિવર્તન આવ્યું. સુરેશ જોષી, મધુ રાય, કિશોર જાદવ, રાધેશ્યામ શર્મા, ઘનશ્યામ દેસાઈ, સુમન શાહ, વિભૂત શાહ, જ્યોતિષ જાની, ચન્દ્રકાન્ત બક્ષી, પ્રબોધ પરીખ, રાવજી પટેલ, ભૂપેશ અધ્વર્યુ, નલિન રાવળ, રમેશ પારેખ વગેરે તરુણ પેઢીના લેખકોએ નવા નવા અભિગમ લઈને નવી નવી રીતિએ વાર્તાઓ રચી. સામાજિક–આર્થિક પરિસ્થિતિની વિષમતાઓ વચ્ચે જીવતાં માણસોનાં સુખદુ:ખની કથાઓને બાજુએ રાખી આ લેખકો માનવીય સંયોગોની વિષમતા અને અસ્તિત્વની મૂળભૂત એકલતા, વિચ્છિન્નતા અને હતાશાનું આલેખન કરવા પ્રેરાયા. આ લેખકોમાં એક વ્યાપક વલણ પ્રતીકાત્મક ઢાંચાનું વિશ્વ-નિર્માણ કરવાનું રહ્યું છે. એની અંતર્ગત સ્વપ્ન, કપોલકલ્પિત અને ઍબ્સર્ડના અંશો ગૂંથાયા છે. આ પ્રકારની વાસ્તવિકતા નિર્માણ કરવા પ્રતીકો, પુરાકલ્પો અને કલ્પનોથી ખચિત વાર્તાશૈલી તેમણે નિપજાવી. પરંપરાગત વાર્તાની કથનરીતિમાં અમુક બુદ્ધિગ્રાહ્ય સૂત્ર પડ્યું હોય છે. બનાવોનું તંત્ર અંતિમ નિર્વહણ અને ચોટદાર સમાપન પાછળ વાર્તાકારની રચનાર્દષ્ટિ કામ કરે છે. લેખકને અભિમત રહસ્ય એમાં ગૂંથી લેવાયું હોય છે. નવી વાર્તામાં પરિચિત ભાવસંદર્ભોને પ્રતીકાત્મક અંશોમાં સૂચિત રાખવામાં આવે છે અથવા પરિચિત માનવભાવો પ્રચ્છન્ન બની રહે એ રીતે એનું અમૂર્ત કોટિનું પ્રતીકાત્મક વિધાન કરવામાં આવે છે. કથાતત્વોને કળાપ્રક્રિયા દ્વારા નવું રહસ્ય આપવાનો એ ઉપક્રમ છે. મોટા કદની સ્થૂળ ઘટનાઓને ગાળી, ચૈતસિક વાસ્તવના ઊંડા સ્તરો ખુલ્લા કરવાનું તેને વિશેષ અભિપ્રેત છે. નવી વાર્તાપ્રવૃત્તિ, પરંપરાગત વાર્તાઓની સામે, અનેકપાર્શ્વી અને અતિ સંકુલ ર્દશ્યપટ રચે છે.

આ આધુનિકોમાં સુરેશ જોષીની વાર્તાસર્જનની પ્રવૃત્તિ ઘણી રીતે ધ્યાનપાત્ર છે. પોતાના પહેલા વાર્તાસંગ્રહ ‘ગૃહપ્રવેશ’ની રચનાઓમાં પરિચિત જીવનસંયોગોનો અને માનસિક સંઘર્ષોનો આધાર છે, પણ એ તબક્કે જ પ્રતીકાત્મક ઢાંચાઓમાં રજૂઆત કરવાનો તેમનો પ્રયત્ન દેખાઈ આવે છે. એ પછી ‘બીજી થોડીક’, ‘અપિ ચ’, ‘ન તત્ર સૂર્યો ભાતિ’ અને ‘એકદા નૈમિષારણ્યે’ જેવા સંગ્રહોમાં અસ્તિત્વમૂલક ભાવદશાઓ, કપોલકલ્પિત વિશ્વો અને સર્જનાત્મક ભાષાવિશ્વો રચવાની પ્રવૃત્તિ દેખાઈ આવે છે. ‘ગૃહપ્રવેશ’, ‘કુરુક્ષેત્ર’. ‘કૂર્માવતાર’, ‘વરાહાવતાર’, ‘લોહનગર’, ‘થીંગડું’, ‘ઢીંગલી કુસુમ પદ્મિની સુએઝ’, ‘કપોલકલ્પિત’, ‘રાક્ષસ’, ‘પુનરાગમન’, ‘પદભ્રષ્ટ’, ‘એકદા નૈમિષારણ્યે’, ‘અગતિ ગમન’ વગેરે રચનાઓ તેમની જુદા જુદા તબક્કાની વાર્તાકળાનાં પ્રભાવક ર્દષ્ટાંતો છે. એમની પેઢીના અનેક તરુણ લેખકોને તેમની વાર્તાકળાની વિચારણા અને વાર્તાસર્જનના અવનવા પ્રયોગો પ્રેરક બન્યાં છે.

મધુ રાયની વાર્તાલેખનની પ્રવૃત્તિ જુદા બિંદુએથી આરંભાઈ છે અને આગવી રીતે વિકસી છે. આરંભમાં મહાનગર કૉલકાતાના સમૃદ્ધ અને ગહન અનુભવોમાંથી પ્રેરણા લઈ નગરવાસી માનવીઓની ભિન્ન ભિન્ન રીતિની વાર્તાઓ લખી. ‘બાંશી નામની એક છોકરી’, ‘કરોળિયા અને કાનખજૂરા’, ‘ધારો કે’ જેવી રચનાઓમાં નગરજીવનની વિષમતાનું નિરૂપણ થયું છે. પણ પછીથી વર્ણ્યવિષયો, રચનાવિધાન અને કથનવર્ણનની રીતિમાં અવનવા પ્રયોગો કરવાનું તેમણે વલણ બતાવ્યું છે. ‘હાર્મોનિકા’ જૂથની રચનાઓમાં ચોક્કસ વાક્યાંશો નવા નવા અન્વયોમાં ગૂંથતા જઈ આંતરિક સ્તરેથી કશીક વ્યંજનાભરી તરેહ રચવામાં તે પ્રવૃત્ત થયા છે. ‘પાનકોર નાકે જઈ’ અને ‘કાચની સામે કાચ’ આ પ્રકારની નોંધપાત્ર રચનાઓ છે. એથી ભિન્ન ‘હરિયા’ની વિલક્ષણ વ્યંગમૂર્તિની આસપાસ રચાયેલી વાર્તાઓ માનવસ્વભાવની દંભવૃત્તિ, આત્મછલના વગેરેનું વેધક આલેખન કરે છે. ‘કાન’ અને ‘ઈંટોના સાત રંગ’ એ પ્રકારની નિરાળી વાર્તાઓ છે. કિશોર જાદવનું વાર્તાવિશ્વ અસ્તિત્વના વિષમ સંયોગોનું લગભગ સાતત્યપૂર્વક કપોલકલ્પિત રૂપે નિરૂપણ કરે છે. ‘પ્રાગૈતિહાસિક અને શોકસભા’, ‘સરકસના કૂવામાં કાગડા’, ‘સોગટાં’, ‘બસનું પંખી’, ‘પોલાણનાં પંખી’, ‘લેબીરીન્થ’, ‘લીલા પથ્થરો વચ્ચે ચમત્કારિક પુરુષ’ જેવી રચનાઓમાં તેમની સર્જકશક્તિના વિલક્ષણ ઉન્મેષો દેખાય છે. કલ્પનો અને પ્રતીકોથી ખીચોખીચ તેમની કથનશૈલી સર્રિયલની કોટિએ ગતિ કરે છે. રાધેશ્યામ શર્માએ પરિચિત માનવપરિસ્થિતિઓનું યથાર્થલક્ષી નિરૂપણ કર્યું છે તેમ સ્વપ્નિલ અને કપોલકલ્પિત ઘટનાઓ પણ સ્વીકારી છે. ‘સળિયા’, ‘ચર્ચબેલ’, ‘હાથીપગો’ જેવી વાર્તાઓમાં તેમની કળાર્દષ્ટિ વિશેષ જોઈ શકાય છે. ઘનશ્યામ દેસાઈની વાર્તાસૃષ્ટિમાં ‘કાગડો’ જેવી કપોલકલ્પિત, ‘ટોળું’ જેવી અર્ધપૌરાણિક, ‘ગોકળજીનો વેલો’ જેવી અસ્તિત્વમૂલક — એમ ભિન્ન ભિન્ન આકાર અને શૈલીની સશક્ત રચનાઓ છે. સુમન શાહ પણ અવનવા આકાર અને અવનવી રચનારીતિ સાથે કામ પાડે છે. ‘દાદરા’, ‘કાચની બારી’, ‘દેવચકલીની બોધકથા’ વગેરે તેમની સર્જકતાના પ્રભાવક આવિષ્કારો છે. જ્યોતિષ જાની, વિભૂત શાહ, રાવજી પટેલ, ભૂપેશ અધ્વર્યુ, રમેશ પારેખ વગેરે લેખકો પણ આ રીતે માનવસંયોગો અને માનવીય વાસ્તવિકતાને આગવી રીતે રજૂ કરવા પ્રેરાયા છે.

આ સમયગાળામાં રઘુવીર ચૌધરી, સરોજ પાઠક, ભગવતીકુમાર શર્મા, સુવર્ણા રાય, ઈવા ડેવ, ભરત નાયક, શિરીષ પંચાલ, મોહંમદ માંકડ, ધીરુબહેન પટેલ, કુંદનિકા કાપડિયા, ધીરેન્દ્ર મહેતા, વીનેશ અંતાણી, શિવકુમાર જોશી, સુધીર દલાલ, રમણ પાઠક, વિજય શાસ્ત્રી, મોહનલાલ પટેલ વગેરે લેખકોએ પોતપોતાની સૂઝ અને શક્તિથી આ સ્વરૂપ ખેડ્યું છે. રઘુવીર ચૌધરીનું સર્જકકૌશલ ‘અતિથિગૃહ’ની કેટલીક વાર્તાઓમાં વ્યક્ત થયું છે. એમની સામાજિક નિસબત છતી થાય છે. માનવસંબંધોને એ વાર્તામાં ગૂંથે છે. એમનું વાર્તાલેખન અટક્યું નથી. ભગવતીકુમાર શર્માની ‘અડાબીડ’ (1981)માં એમની વાર્તાકાર તરીકેની નિજી અભિવ્યક્તિ ધ્યાન ખેંચે છે. વાર્તાતત્વનો એમણે સ્વીકાર કર્યો છે એટલે એમની વાર્તાનું કાઠું પારંપરિક વાર્તાનું રહ્યું છે. ‘પ્રતીતિ’, ‘રસ્તાની સામી બાજુ’, ‘ઘર’, ‘ઘડિયાળ’ જેવી વાર્તાઓમાં વાચકને રસ પડે છે. ‘હોલારવ’ (1983) અને ‘રણઝણવું’(1989)ના સર્જક સરોજ પાઠક પાસેથી થયેલી સંવેદનાત્મક વાર્તાઓમાં જીવંત સ્પર્શ પમાય છે. ક્યાંક તિર્યક બનતી ભાષાશૈલી એમની વિશેષતા છે. માનવસંદર્ભને ઝબકાવતી વાર્તાઓ રજનીકુમાર પંડ્યાની છે. ‘ચંદ્રદાહ’(1989)ની વાર્તાઓને ઉલ્લેખવી રહે. રાધેશ્યામ શર્માકૃત ‘વાર્તાવરણ’(1986)માં ટૅકનિકનો ઉપયોગ ધ્યાનપાત્ર બને છે. ભલે, વધુ સંકુલ પણ વાર્તાની નોખી ધાટી કિશોર જાદવની વાર્તાઓની છે. ‘છદ્મવેશ’(1982)માં પ્રયોગો વાર્તાની દિશા બદલે છે. ક્યાંક એનાં અવળાં પરિણામો મળ્યાં છે. આ વાર્તાઓ ભાવકના રસને પોષક બનતી નથી છતાં ગુજરાતી ટૂંકી વાર્તાને એ એક પડાવ તો છે જ. ‘ડાબી મુઠ્ઠી જમણી મુઠ્ઠી’(1985)ની વાર્તાઓમાં ચિનુ મોદીએ પ્રયોગો કર્યા છે. સત્યજિત શર્મા(‘શબપેટીનું મોજું’ 1981)ને ભૂપેશ અધ્વર્યુ (‘હનુમાન લવકુશ મિલન’) એ પણ વાર્તાક્ષેત્રે કામ કર્યું છે. ‘હલો’(1984)ના સર્જક ઉત્પલ ભાયાણીની વાર્તાઓમાં અસરકારક લાઘવ છે. ધીરેન્દ્ર મહેતાએ ‘સમ્મુખ’(1986)માં આપેલી વાર્તાઓનો આંતરપ્રવાહ પ્રશાન્તિ છે. ‘મોરબંગલો’ (1988) હરિકૃષ્ણ પાઠકનો વાર્તાસંગ્રહ છે. એમણે પાછળથી ‘નટુભાઈને જલસા છે’ વાર્તાસંગ્રહ આપ્યો છે. મહદંશે સરકારી તંત્રના પાત્રોની મનોદશા આલેખી છે. કટાક્ષ એમની શૈલીનો પ્રભાવક અંશ છે. હિમાંશી શેલતના ‘અંતરાલ’ (1987) અને ‘એ લોકો’ (1997) વાર્તાસંગ્રહની વાર્તાઓમાં માનવમનનાં ઊંડાણની અભિવ્યક્તિ ઘટના દ્વારા થઈ છે. એમનું સંવેદન ધારદાર છે. આજે પણ હિમાંશી શેલતનું વાર્તાલેખન ગતિશીલ છે. જોસેફ મેકવાનની વાર્તાઓમાં દલિતચેતના જોવા મળે છે.

આધુનિક માનવીના સંયોગો અને તેની સંવેદનાઓ, રચનારીતિની પ્રયુક્તિઓ અને સર્જનાત્મક ભાષાનો વિનિયોગ એવા કોઈ પાસાનો સૂક્ષ્મ પ્રભાવ તેમણે ઝીલ્યો છે. પણ તેમનો વિશેષ ઝોક તો પરિચિત વાસ્તવિકતાના આલેખન તરફનો રહ્યો છે. અનુઆધુનિક વલણો અને પ્રવાહો આકાર લઈ રહ્યાં છે. એમાં એક નોંધપાત્ર વલણ તે તળપદા લોકજીવનની યથાર્થતાને મૂર્ત કરવાનું છે. એમાં તળપદી બોલીનો સર્જનાત્મક પ્રયોગ કરવાનું વ્યાપક વલણ દેખા દે છે. પ્રતીકવિધાન, દંતકથા, પુરાણકથાના અંશોનો વિનિયોગ, લોકસંસ્કૃતિનાં કર્મકાંડ જેવાં તત્વોને પણ તેમાં સ્થાન છે. પણ મુખ્ય વાત કથાકથનની પુન:પ્રતિષ્ઠા કરવાની છે. બીજી બાજુ દલિત ચેતનાના લેખકો સમાજના દલિતોશોષિતો અને ભદ્ર સમાજની ઘોર ઉપેક્ષા પામેલા નીચલા થરના લોકોની યાતના રજૂ કરી રહ્યા છે. પરસ્પર ભિન્ન એવા એ બે પ્રવાહો ક્યાંક પરસ્પરમાં ભળે છે. અજિત ઠાકોર, મણિલાલ પટેલ, બિપિન પટેલ, કાનજી પટેલ, હર્ષદ ત્રિવેદી, કિરીટ દૂધાત, ઉજમશી પરમાર, મોહન પરમાર, હરીશ નાગ્રેચા, અજય સરવૈયા, બિંદુ ભટ્ટ, પાર્થ મહાબાહુ, કનૈયાલાલ પંડ્યા, ભૂપેન ખખ્ખર, બાબુ સુથાર, બાબુ છાડવા, ઉત્તમ ગડા, પુરુરાજ જોષી, મંગળ રાઠોડ, હિમાંશી શેલત, અંજલિ ખાંડવાળા, પ્રાણજીવન મહેતા, રામચંદ્ર પટેલ વગેરે લેખકોની લેખનપ્રવૃત્તિ આ અનુઆધુનિક પ્રવાહમાં ધ્યાન ખેંચી રહી છે.

વીતેલી સદીના છેલ્લા દાયકા દરમિયાન હિમાંશી શેલત (‘અંતરાલ’, ‘અંધારી ગલીમાં સફેદ ટપકાં’, ‘એ લોકો’), હરિકૃષ્ણ પાઠક (‘નટુભાઈને જલસા છે’), રવીન્દ્ર પારેખ(‘સ્વપ્નવટો’)ની વાર્તાઓમાં આધુનિકતાનો સાંકડો છેડો અનેક નવી કેડીઓ કંડારે છે. મોહન પરમાર (‘નકલંક’, ‘કુંભ’) દલિતચેતનાને અલગ રીતે અભિવ્યક્ત કરે છે. એમાં માનવીય સંદર્ભ મહત્વનું પાસું છે. મણિલાલ પટેલની વાર્તાઓમાં ગ્રામચેતના જુદે રૂપે વ્યક્ત થઈ છે. અજિત ઠાકોર, વિપિન પટેલ, જિતેન્દ્ર પટેલ વળી ગામડાની કથા નોખી રીતે આલેખે છે. આ સાથે જાતીયતાને આલેખતી વાર્તાઓનું જુદું વિશ્વ છે. રમેશ ર. દવે(‘શબવત્’)ની એ પ્રકાર વાર્તાઓ દ્વારા સમાજની વરવી બાજુ છતી કરે છે. હરીશ નાગ્રેચાની ‘કુલડી’ અને ‘કૅટલૉક’ વાર્તાઓમાં જાતીયતા કલાત્મક રૂપે રજૂ થઈ છે. પ્રવીણસિંહ ચાવડાની ‘નવું ઘર’ અને ‘વિઝિટ’ વાર્તા પણ એ બાજુને ઉજાગર કરે છે.

રવીન્દ્ર પારેખની ‘કટકે-કટકે’ અને પરેશ નાયકની ‘આદિ રૉબોટ’ વાર્તામાં મનુષ્ય અને યંત્રો વચ્ચેની યાંત્રિકતા અને માનવતાની ગૂંથણી છે.

નવી સદી અર્થાત્ એકવીસમી સદીમાં વળી વાર્તા કરવટ બદલે છે. વીતેલી સદીના છેલ્લા દાયકાના વાર્તાકારો તો વાર્તાલેખનમાં પ્રવૃત્ત જ છે તો અન્ય નવા વાર્તાકારો પણ આવ્યા છે. કિરીટ દૂધાત, પરેશ નાયક, યોગેશ જોષી, ધરમાભાઈ શ્રીમાળી, રાજેન્દ્ર પટેલ, દીના પંડ્યા, પ્રફુલ્લ રાવલ, પૂજા તત્સત્, સંજય ચૌહાણ, અનિલ વાઘેલા, દક્ષા પટેલ, સતીશ વૈષ્ણવ ઇત્યાદિ દ્વારા ગુજરાતી વાર્તા જુદી જુદી રીતિએ લખાતી રહી છે. અલગ અલગ પ્રવાહો વચ્ચે ભાવસભર કથાવસ્તુ તરફનો લગાવ હજુય વાર્તાકારોમાં જોવા મળે છે.

પ્રમોદકુમાર પટેલ

References

Top Articles
Latest Posts
Article information

Author: Sen. Ignacio Ratke

Last Updated: 25/06/2023

Views: 5297

Rating: 4.6 / 5 (76 voted)

Reviews: 83% of readers found this page helpful

Author information

Name: Sen. Ignacio Ratke

Birthday: 1999-05-27

Address: Apt. 171 8116 Bailey Via, Roberthaven, GA 58289

Phone: +2585395768220

Job: Lead Liaison

Hobby: Lockpicking, LARPing, Lego building, Lapidary, Macrame, Book restoration, Bodybuilding

Introduction: My name is Sen. Ignacio Ratke, I am a adventurous, zealous, outstanding, agreeable, precious, excited, gifted person who loves writing and wants to share my knowledge and understanding with you.